વિરોધ:નખત્રાણા તાલુકાના સાંગનારામાં પવનચક્કી કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે વિવાદ

પંદર દિવસથી પવનચક્કી કં. દ્વારા ગૌચર જમીન પર ટાવર ઉભા કરવાનો વિરોધ લોકો કરી રહ્યા છે
નખત્રાણા તાલુકામાં પવનચક્કીના આગમન બાદ રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ થવાના બનાવ બનાવ રોજિંદા બની જવા પામ્યા છે. તો હવે તેના વિસ્તાર વિકાસના પગલે પશુઓ માટેની રક્ષિત ગૌચર જમીન બચાવવા ગ્રામજનોને આગળ આવવું પડી રહ્યું છે. અને પોતાના કામ ધંધા બંધ રાખી સખ્ત ગરમી વચ્ચે આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ સ્થાનિકો લોહી પસીનો એક કરવો પડી રહ્યો છે. પરંતુ સરકારી નિયમોની અવગળના કરતી કંપનીઓ પોલીસ રક્ષણ મારફત ધરાર પોતાની મનમાની કરવા પવનચક્કીના ટાવર લગાડવા પશુઓના ચરિયાણ દૂર કરી રહી છે. જેનો વિરોધ ગ્રામજનોને કરવો પડી રહ્યો છે.

ગત 20 જૂનથી નખત્રાણા તાલુકાના સાંગનારા ગામની રક્ષીત ગૌચર જમીન પર પવનચક્કી લગાડવા આવી ચડેલા કંપનીના કર્મીઓને ગ્રામજનોએ ટાવર લગાડતા રોક્યા હતા. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા કોશિશ કરી હતી. જેના પંદર દિવસ બાદ પણ પરિસ્થિતિ થાળે પડવાના સ્થાને વધુ વણસી રહી છે. સૂઝલોન કંપની દ્વારા હવે સૂકા કચ્છ મલકમાંથી વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં સાંગનારા ગામના પુરુષો સાથે મહિલાઓ અને બાળકોઓએ પણ જોતરવું પડી રહ્યું છે.

પવનચક્કી લગાડવા મુદ્દે થઈ રહેલા અન્યાય પ્રત્યે કચ્છની ચિંતા કરતા પર્યાવરણ પ્રેમીઓએ પણ સાંગનારા વિવાદને વખોડી ગ્રામજનોના સહકારમાં પોતાનો ટેકો આપ્યો છે. તેમ છતાં પોલીસ કુમક સાથે એસઆરપી ટુકડીના સંગાથે કંપનીઓ પવનચક્કી લગાડવા દાદગીરી કરી રહ્યાના આક્ષેપો ગ્રામજનો દ્વારા ઉઠી રહ્યા છે અને પંદર દિવસથી વધુ સમય થવા છતાં રક્ષિત જમીન પર થતા અતિક્રમણના પ્રયાસના વિરોધનો મામલો સમવાનું નામ નથી લઈ રહ્યો.

પ્રતિશાદ આપો