ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માટે રસીકરણ

ગુજરાતમાં ધીમા રસીકરણ વચ્ચે આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં રસીકરણને વેગવંતું બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામેની લડાઇમાં રસીકરણ ખૂબ જ મહત્ત્વનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણને વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા મહત્ત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.75 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેવામાં હવે આવતીકાલથી દરરોજ સવા બે લાખ લોકોનું રસીકરણ કરવામાં આવશે.વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 1,75,359 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 18-45 વર્ષ સુધીના 98288 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 4પ વર્ષથી વધુ ઉંમરની 43082 વ્યક્તિઓના પ્રથમ ડોઝની રસીનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,76,39,673 વ્યક્તિનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામેની લડતનું મુખ્ય શત્ર એવું રસીકરણ હવે વેગ પકડે એવી આશા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

પ્રતિશાદ આપો