મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કચ્છના નખત્રાણા તાલુકાના મંજલ પાસેના પુંઅરેશ્વર મંદિર સહિત રાજય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના આ રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાને રાજ્યના ઐતિહાસિક, પૂરાતત્વીય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોમાં કોન્ઝરવેશન-રિસ્ટોરેશનના કામોની મંજૂરી આપી છે તેમાં કલેશ્વરી સ્મારક સમૂહ ગામ: લવાણા તા.લુણાવાડા જિ: મહિસાગર-પુંઅરેશ્વર મંદિર (પંઅુરાગઢ નજીક) ગામ: મંજલ તા: નખત્રાણા જિ. કચ્છ-તરણેતર મંદિર ગામ:થાન તા: ચોટીલા જિ: સુરેન્દ્રનગર-પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) ગામ:પ્રભાસ પાટણ તા: વેરાવળ પાટણ જિ: જુનાગઢ- ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ગામ:ખંભાલીડા તા:ગોંડલ જિ:રાજકોટનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાને આપેલી આ મંજૂરી અનુસાર આ પાંચ સ્મારકોમાં પ્રત્યેક સ્મારક દીઠ રૂ. 1-1 કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિકેશનના કામો અને પર્યટક સુવિધા વૃદ્ધિની કામગીરીને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે 2021-22ના બજેટમાં આ હેતુસર પાંચ કરોડ રૂપિયા ફાળવેલા છે. – રજૂઆત ગ્રાહય રહી : અહીં એ નોંધનીય છે કે કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદીએ ગયા વર્ષે પુંઅરેશ્વર શિવમંદિરના પુન: મજબૂતીકરણ અને વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણીને રજૂઆત કરી હતી. એ પછી કોવિડની સ્થિતિને લઈને બાબત સ્થગિત રહી ગઈ હતી. શ્રી ત્રિવેદીએ આજની જાહેરાતને આવકારતા કહ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીનો આ નિર્ણય સંસ્કૃતિના પૂજકોને ગમશે. – સંક્ષિપ્ત ઇતિહાસ : પુંઅરેશ્વર મંદિર, (પંઅુરાગઢ નજીક), જામ લાખા ફૂલાણીનો ભત્રીજો પુંઅરો હતો તેણે પાદરગઢ/પુઅરાગઢનો કિલ્લો તૈયાર કરાવ્યો આ કિલ્લા નજીક આવેલ પ્રાચિન શિવમંદિર રા.પુંઅરાના નામ ઉપરથી પુઅરેશ્વર મંદિર તરીકે જાણીતું થયું છે. આ મંદિર કચ્છનું પ્રાચિનતમ મંદિર હોવાનું પુરાતત્વ દ્રષ્ટિએ જણાય છે. ઓરીસ્સાના કોણાર્ક સૂર્યમંદિરના જગ મંડપની જેમ જાલકભાત અને નાગર અને દ્રાવીડ શૈલીના સમન્વય ધરાવતું બેસરા પ્રકારનું આ મંદિર ઇ.સ. ની 9મી 10મી સદીનું હોય તેમ જણાય છે.’