આવું કેમ?

પ્રિયા રજત ચોપડા

Priya140794@gmail.com

   એક મંદિરના પૂજારી અને એક નાઈ મિત્ર હતા. બંને એક દિવસ વાતોમાં વળગેલા અને વાત-વાતમાં નાઈએ પૂજારીને પ્રશ્ન કર્યો કે,…આ બધા લોકો આટલા દુઃખી કેમ હશે? શું ભગવાનને આ બધા લોકો પર દયા નહી આવતી હોય? આજે ચારે તરફ કેટલી તકલીફ છે, ક્યાંક ભૂકંપ-સુનામી, તો ક્યાંક ગરીબી- ભૂખમરો અને હવે અધૂરામાં પૂરું આ કોરોના! લોકો થાકી ગયા છે, હારી ગયા છે, પણ આ બધું જોતા ભગવાનને કંઈ જ નહી થતુ હોય?

   પ્રશ્ન સાંભળી, પૂજારી નાઈને એક ભિખારી પાસે લઈ ગયો, જેના વાળ અને દાઢી વિખરાયેલા અને ખૂબ વધી ગયેલા હતા. પુજારીએ કહ્યું કે, તમે નાઈ છો, અહ્યા હાજર છો, છતાં પણ આ વ્યક્તિની હાલત આવી કેમ? દાઢી-વાળ આવા કેમ?

   તરત જ જવાબ આપતા નાઈએ કહ્યું, …હા, હું હાજર છું પણ કોઈ મારો સંપર્ક કરે અથવા મારી પાસે આવે તો હું એનું કામ કરુ ને!

   તો આપણું પણ આવું જ કંઈક છે. આપણે પણ પરમાત્માનો સંપર્ક જ નથી કરતા. તો… એ પણ આપણું કામ કેવી રીતે કરે? ઘરમાં પણ બાળક માતા- પિતાને પોતાના પ્રશ્ન જણાવે જ નહી તો, માં-બાપ તેનો જવાબ કેવી રીતે આપે?

   ઘણા લોકો ફરિયાદ કે છે કે, ભગવાન આપણને દુ:ખ આપે છે, આ બધી ભગવાનની લીલા છે એની મરજી હોય એમ જ થાય, એની મરજી વગર પાંદડુ પણ હલી ન શકે! એની મરજીથી જ સુખ અને દુઃખ મળે! ઘણાને તો એવું કહેતા પણ સાંભળ્યા છે કે, ભગવાનની મરજીથી જ આ કોરોના ફેલાયો છે!!!!

   અરે!!! મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, એક પ્રશ્નનો જવાબ સ્વયંને જ આપો કે, ક્યા માં- બાપ એવા હશે… જે પોતાના બાળકોનું અકલ્યાણ કે નુકશાન ઇચ્છતા હશે! કે એવા કોઈ માં-બાપ હશે કે જે, ત્રણ-ચાર બાળકોમાંથી એકનું સારું અને બીજા માટે ખરાબ વિચારતા હોય! હા, એ વાત અલગ છે કે, જો સંતાનો અવળા માર્ગે વળે કે ખોટી સંગતમાં આવી ખોટા કર્મ કરે ત્યારે જરૂરથી પ્રેમ ઓછો થઈ જાય છે. બાકી દરેક બાળક માટે માં-બાપનો પ્રેમ નદીના પાણીની જેમ શુદ્ધ, નિર્મળ અને એક સરખો જ હોય છે.

   બસ…એવી જ રીતે, ભગવાન પણ આપણા સુપ્રીમ ફાધર છે અને આપણે તેના વ્હાલા બાળકો. એ પોતાના બાળકો માટે અકલ્યાણનું વિચારી જ કેમ શકે? કોઈ દીકરો વધારે હોશિયાર હોય, કોઈ ઓછો….પણ માં-બાપને જેમ બધા વ્હાલા છે તેમ પરમાત્માને પણ દરેક આત્મા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે માટે જ જે તેમનો સંપર્ક કરે છે તેમને જરૂરથી તેનો અનુભવ થાય જ છે. એમની સર્વિસ તો 24×7 ચાલુ જ હોય છે. મેં પણ તેનો અનુભવ કરેલો છે. બસ સાચા દિલથી એમને યાદ તો કરી જુઓ હજુર મદદ માટે હાજર થઈ જશે!

   જ્યારે આપણે કોઈ કર્મ કરીએ છીએ ત્યારે આપણે તેના સારા- ખરાબ પાસાનો વિચાર નથી કરતા, અને જયારે તેનું પરીણામ સામે આવે ત્યારે દોષનો ટોપલો ભગવાનને આપી દઈએ તો આ વાતમાં કેટલી સમજદારી કહેવાય?!! આપણી સાથે થતી દરેક ઘટનાઓ કે પરીસ્થિતિઓના નિર્માતા આપણે સ્વયં જ છીએ. આજ દિવસ સુધી અને આટ આટલા જન્મોથી કરતા આવેલા કર્મોનો આજે જયારે હિસાબ થાય છે, ત્યારે નફો કે નુકશાન જે નીકળે તેને સ્વીકારી આપણું ખાતુ તો આપણે જ ચૂકતુ કરવું પડશે ને! પડોશી તો નહી જ કરે.

  જો આપણી સાથે પુણ્ય કર્મોનું ભાથુ હશે, તો કોઈની તાકાત નથી કે, આપણો વાળ પણ વાંકો કરી શકે! કૃષ્ણનો જન્મ થતાં જ જેમ દરેક પરીસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ…તોફાની નદીએ પણ માર્ગ આપ્યો.. એવા તો જલારામ બાપા, સાંઈ બાબા કેટ-કેટલાય ઉદાહરણો આપણી આસપાસ છે. જેમને માટે પ્રકૃતિ પણ નતમસ્તક તેમની સેવા માટે હાજર રહી છે. કારણ કે, તેમને હંમેશા પોતાના કર્મ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું કે…મારાથી એવું કોઈ કર્મ ન થઈ જાય જેનાથી પ્રકૃતિ કે કોઈ આત્માને દુઃખ પહોંચે કે કોઈનું અકલ્યાણ થાય.

   આ કળિયુગી દુનિયામાં ‘એક સાંધતા, તેર તૂટે’ એવી પરીસ્થિતિ છે, પણ જો આપણે આપણા મન, વચન અને કર્મ પર ધ્યાન આપીશું તો, અનેક પરીસ્થિતિઓની વચ્ચે પણ..જેમ ‘માખણમાંથી વાળ નીકળે’ એમ તેને એકદમ સરળતાથી પાર કરી શકીશું…પછી ભગવાન પાસે કો ફરિયાદ નહી રહે કે…’આવું કેમ???’ પરંતુ તેને ફરીને ફરી યાદ કરવાનું મન થશે!