સૌરમંડળ નો સૌથી નાનો અને પ્રથમ ગ્રહ : બુધ

સૂર્યમાળામાં સૂર્યથી સૌથી નજીક બુધ ગ્રહ આવે છે. તે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ પણ છે. જ્યારે સૂર્યથી તે સૌથી નજીક હોય ત્યારે તેનું અંતર ૪૫૯ લાખ કિ.મી. અને સૌથી દૂર હોય ત્યારે ૬૯૭ લાખ કિ.મી. હોય છે. બુધ ગ્રહનો સરેરાશ વ્યાસ (diameter) ૪૮૮૦ km. છે. બુધ ગ્રહ બીજા ગ્રહના કેટલાય ઉપગ્રહ કરતાં પણ કદમાં નાનો છે.

બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક હોવાથી ૮૮ દિવસમાં જ સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે. તે સૌરમાળામાં સૌથી વધારે ઝડપથી એટલે કે ૧,૮૦,૦૦૦ km/sec ની ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બુધ ગ્રહને પોતાની ધરી પર ફરવામાં પૃથ્વીના  ૫૮.૬ જેટલા દિવસ લાગે છે. એટલે કે બુધ પર ૧ દિવસ પૃથ્વીના ૫૮.૬ જેટલો દિવસ હોય છે.

બુધ ના આકાશ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અજીબ રીતે થાય છે.પૃથ્વી પર આપણને સૂર્ય નું જે કદ જોવા મળે તે કરતા બુધ પર ત્રણ ગણા મોટા સ્વરૂપે દેખાય છે.આ ગ્રહ ને વળી પૃથ્વી જેવું વાતાવરણ નથી.સૂર્યમાળા ના સર્જન વખતે તેને વાયુનું ઘટ આવરણ ગુમાવી દીધું હતું.એટલે પરબારો આવતો સૂર્યપ્રકાશ દસ ગણો તેજસ્વી જણાય છે.ધરતી પર સવારમાં પૂર્વમાં ઉગતો સૂર્ય એકધારો પ્રવાસ ખેડી સાંજે પશ્ચિમમાં અંત પામે છે, જયારે બુધ પર એવું બનતું નથી.ક્ષિતિજે ઉગ્યા પછી ક્રમશ ઊંચે ચડ્યા બાદ તે સહેજ અટકે છે, ત્યારબાદ રિવર્સ માં પાછળ જાય છે અને છેવટે ઊંધા ચોગડા જેવો આકાર રચતો ફરી પશ્ચિમ ક્ષિતિજે આથમવા માટે આગળ વધે છે.આ જાતનું કૌતુકમય દ્રશ્ય સૂર્યમાળામાં બીજા કોઈ ગ્રહ પાર જોવા મળતું નથી.

બુધ ગ્રહ પરનું તાપમાન અસામાન્ય રીતે વધઘટ થાય છે. દિવસે તેનું મહત્તમ તાપમાન ૪૩૦ °C જેટલું હોય છે. જ્યારે રાત્રે તેનું તાપમાન ઘટીને -૧૮૦ °C જેટલું નીચું આવી જાય છે. ગુરુતમ તાપમાન ભલભલા પદાર્થને તરત વરાળમાં પલ્ટી નાખે, તો લઘુતમ તાપમાન જોતજોતામાં તેને ફ્રીઝ કરી દે !! પહેલા એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીક હોવાથી સૌથી ગરમ ગ્રહ છે પણ બુધ ગ્રહને પોતાનું કોઈ વાતાવરણ ન હોવાથી તે તાપમાનને શોષીને નથી રાખી શકતું એટલે આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ શુક્ર છે. કારણ કે તેને પોતાનું વાતાવરણ છે. પરંતુ તે બુધ ગ્રહ જેટલું વિષમ તાપમાન નથી ધરાવતો. બુધ ગ્રહને સૂર્યોદય પહેલાં ૧ કલાક અને સૂર્યાસ્ત પછી ૧ કલાક આકાશમાં નરી આંખે જોઈ શકાય છે.

જ્યારે બુધ ગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતા સમયે સૂર્યની બીલકુલ સામે આવી જાય છે ત્યારે બુધને આસાનીથી જોઈ શકાય છે. જેને સંક્રમણ (transit) કહે છે. સૌથી પહેલા બુધ ગ્રહનું સંક્રમણ (transit) ઈ.સ. ૧૭૩૭માં જોવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫ સુધી એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્ય સાથે “tightly locked” છે એટલે કે બુધની એક બાજુ હંમેશાં સૂર્યની સામે હોય છે અને બીજી બાજુ હંમેશાં સૂર્યની વિરુદ્ધ દિશામાં. પરંતુ ઈ.સ. ૧૯૬૫માં “Doppler radar observation”થી આ વાત ખોટી સાબિત થઈ અને જાણવા મળ્યું કે બુધ સૂર્યથી બે વખત પ્રદક્ષિણામાં ત્રણ વખત પોતાની ધરી પર ફરે છે. (જ્યારે પૃથ્વી સૂર્યની એક વખત પ્રદક્ષિણામાં ૩૬૫ વખત પોતાની ધરી પર ફરે છે) એટલે કે બુધના બે વર્ષમાં ત્રણ દિવસ હોય છે.

બુધ ગ્રહ આપણી સૌરમાળામાં પૃથ્વી પછી બીજા નંબરનો સૌથી વધુ ઘનત્વ (density) ધરાવતો ગ્રહ છે. તેની ઘનતા ૫.૪૩ gm/cm³  છે. બુધ ગ્રહની core પૃથ્વીની જેમ જ dense ironની બનેલી છે. બુધ ગ્રહ પણ પૃથ્વીની જેમ જ ખડકીય ગ્રહ (Rocky planet) છે. બુધ ગ્રહની સપાટી આપણા ચંદ્રથી ઘણી મળતી આવે છે. બુધ ગ્રહની સપાટી પર પણ ચંદ્ર ગ્રહની જેમ જ ઘણા ખાડા (crater) જોવા મળે છે. ત્યાં એક ખાડાનો વ્યાસ લગભગ ૧૫૫૦ km. જેટલો મોટો છે.

બુધ ગ્રહ વિશે જાણવા માટે આજ સુધી બે અંતરીક્ષ યાન મુકવામાં આવ્યા છે. ઈ.સ. ૧૯૭૪માં પહેલું અંતરીક્ષ યાન “Meriner 10” મુકવામાં આવ્યું. જે બુધ ગ્રહના ફક્ત ૩ ચક્કર જ લગાવી શક્યું. વધારે પડતી ગરમી અને તાપમાનના કારણે ૨૪ માર્ચ ૧૯૭૫ના “Meriner 10”એ કામ કરવાનું બંધ કરી દીધું. ઈ.સ. ૧૯૯૧માં ખગોળશાસ્ત્રીઓએ રેડીઓ ટેલિસકોપના પાવરફૂલ રેડારમોજાં  બુધ તરફ પ્રસારિત કરીને પહેલીવાર શોધી કાઢ્યું કે તે ગ્રહ ની નાભિ લોખંડ ના નક્કર દડા જેવી છે.નાભિ નો વ્યાસ અંદાજે ૩,૬૦૦ કિલોમીટર હોવાનું તેણે જણાયું એ સાથે ખગોળશાસ્ત્રને ચેલેન્જ ફેકતો નવો સવાલ પેદા થયો: માત્ર ૪,૮૮୦ કિલોમીટર વ્યાસ ધરાવતા ટચુકડા બુધની નાભિ આટલી બધી મોટી હોવાનું કારણ શુ? આ સવાલ નો સચોટ જવાબ હાજી સુધી મળ્યો નથી. આ દરમિયાન બીજું અંતરીક્ષ યાન “Messenger” NASA દ્વારા ઈ.સ. ૨૦૦૪માં મુકવામાં આવ્યું. જેણે ઈ.સ. ૨૦૧૫ સુધી બુધ ગ્રહના આશરે ૨.૫ lakh જેટલાં high resolution ફોટા મોકલ્યા. જેના થકી આપણે બુધ ગ્રહ વિશે ઊંડાણપૂર્વક જાણી શક્યાં. છેલ્લે ૧૫ એપ્રિલ, ૨૦૧૫ના “Messenger” યાનને કાયમ માટે બુધની સપાટી પર છોડી દેવામાં આવ્યું.

આપણા સૌરમંડળ નો તારો “સૂર્ય”

આજની સફરમાં આપણે સૌરમંડળ ના મધ્ય ભાગ (centre) એટલે કે સૂર્ય વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. સૂર્યનો જન્મ આજથી લગભગ ૪.૫ અબજ વર્ષ પૂર્વે થયો હતો. Nebula theory પ્રમાણે હજારો પ્રકાશવર્ષમાં ફેલાયેલા આણ્વીક વાદળો (Molecule Gas cloud)માં એકથી વધારે સંખ્યામાં સુપર નોવા ધડાકા થતા તેમાંથી એક ભાગ છુટો પડ્યો. જેની સાથે તેમાં રહેલા Raw Material પણ અલગ થયા. ધીમે ધીમે એ છુટા પડેલા વાદળનો ભાગ ગતિ અને દબાણના કારણે ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું અને સાથે સાથે ગરમ પણ થવા લાગ્યું. જેના કારણે કેન્દ્રમાં વધારે પડતો ભાગ જમા થયો અને જેમને દબાણની ઓછી અસર થઈ તે ભાગ આસપાસ ચક્કર લગાવવા માંડ્યો. આ પૂરી ઘટના થવામાં જ કરોડો વર્ષો નીકળી ગયા. વખત જતા ધીમે ધીમે તાપમાન ઘટતા હાઈડ્રોજન અને હિલિયમ વાળો મધ્ય ભાગ સૂર્યમાં પરિણમ્યો અને તેની આસપાસ ચક્કર લગાવતો ભાગ આપણા સૌરમંડળના ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો અને અવકાશીય પીંડો તરીકે અસ્તિત્વમાં આવ્યા. તો આ પ્રમાણે આપણા સૂર્ય અને સૌરમંડળની રચના થઈ.

આપણા સૌરમંડળમાં સૂર્ય સૌથી મોટો પીંડ છે. હકીકતમાં તે આપણા સૌરમંડળનો તારો છે, જ્યારે બાકી બધા ગ્રહો છે. તેની રચના બાકી બધા ગ્રહોથી અલગ છે. સૌરમંડળમાં સૌથી વધારે દ્રવ્યમાન સૂર્ય પોતે જ છે. તેનો વ્યાસ એટલે કે તેનું એક છેડાથી બીજા છેડાનું અંતર ૧૩,૯૨,૦૦૦ KM. છે. તેનું કદ એટલું વિશાળ છે કે તેમાં ૧૦ લાખ પૃથ્વી સમાઈ શકે છે. તમને પ્રશ્ન થશે કે સૂર્ય આટલો મોટો તો દેખાતો નથી ? તેનું કારણ છે પૃથ્વીનું સૂર્યથી અંતર જે અંદાજિત ૧૫ કરોડ KM. જેટલું છે. વળી, આપણા સૌરમંડળની કુલ દ્રવ્યરાશિનો ૯૯ ટકા ભાગ એકલા સૂર્ય પાસે છે. જ્યારે બાકીના ૧ ટકા ભાગમાં આપણી પૃથ્વી સહિતના ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કા, અવકાશીય પીંડ આવી ગયા. આટલા પરથી તમને સૂર્યની વિશાળતાનો ખ્યાલ આવી ગયો હશે.

સૂર્યના કેન્દ્રભાગને કોર (core) કહે છે. જેનું તાપમાન સૌથી મહત્તમ એટલે કે ,૫૬,૦૦,૦૦૦°C જેટલું હોય છે. જ્યારે સૂર્યની બાહ્ય સપાટીનું તાપમાન (જે આપને પ્રકાશિત દેખાય છે તે ભાગ) લગભગ ૬૦૦૦°C જેટલું હોય છે. જે ૩૮૦ અબજ અબજ  મેઘાવોટ જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે જ્યારે ધરતીનો સૌથી મોટો માનવનિર્મિત પાવર પ્લાન્ટ ફક્ત ૨૨,૫૦૦ મેઘાવોટ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે. માનવ જાતે અત્યાર સુધીના જીવનકાળમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરી છે, તેનાથી કંઈ વધારે ઊર્જા સૂર્ય ફક્ત ૧ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે અને આ રીતે સૂર્યને ઊર્જા ઉત્પન્ન કરતાં કેટલાય અરબો વર્ષ થઈ ગયા. આટલા પરથી તમને સૂર્યની મહત્તાનો ખ્યાલ આવી ગયો હશે.

સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઊર્જા નાભિકીય સંલયન (Nuclear Fusion) પ્રક્રિયાને આભારી છે, એટલે કે સૂર્યની સપાટી પર રહેલા હાઈડ્રોજન કણોનું પ્રચંડ દબાણના કારણે આપસમાં અથડાઈને હિલિયમના કણોમાં રૂપાંતર થાય છે. આ રીતે સૂર્યમાં પ્રતિ સેકન્ડ અંદાજિત ૬૦ કરોડ મેટ્રીક ટન હાઈડ્રોજનનું ૫૯.૫ કરોડ મેટ્રીક ટન હિલિયમમાં રૂપાંતર થાય છે. અને બાકી રહેલા ૫૦ લાખ મેટ્રીક ટન હાઈડ્રોજનનું ઊર્જામાં રૂપાંતર થાય છે. જેની તાકાત ૧ અરબ મેઘાટન હાઈડ્રોજન અણુબોમ્બ જેટલી હોય છે. તમે વિચારો કે સૂર્ય આટલી ઊર્જા ફક્ત ૧ સેકડ માં ઉત્પન્ન કરે છે. અને આ પ્રક્રિયા કેટલાય અરબ વર્ષોથી ચાલુ છે અને હજી કેટલાય અરબ વર્ષો સુધી ચાલુ રહેવાની છે. તો તેની સામે માનવજાતિની શું વિષાત !

સૂર્ય વિશે આટલી વિગતો મેળવ્યા પછી વિજ્ઞાનીઓને હજી તેના વિશે વધારે જાણવાની જીજ્ઞાસા જાગી, એટલે વિજ્ઞાનીઓએ તા. ૧૨ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ સૂર્ય વિશે વધારે માહિતી મેળવવા માટે “Park Solar Prob” નામનો ઉપગ્રહ સૂર્ય તરફ તરતો મુકયો. જે ૭ વર્ષ સુધી સૂર્યની સપાટી (કોરોના) આગળ પરિભ્રમણ કરી સૂર્ય વિશે વધારે માહિતી એકઠી કરશે. અત્યાર સુધીના ઈતિહાસમાં સૂર્યની આટલો નજીક જવાવાળો આ પ્રથમ ઉપગ્રહ હશે જે સૌરપવન (Solar Wind) અને સૌર જવાળા (solar Flare) વિશે પણ વધારે માહિતી એકઠી કરશે.

સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરવાની સાથે Magnetic Field પણ ઉત્પન્ન કરે છે. જ્યારે બે Magnetic Field પરસ્પર ટકરાય છે, ત્યારે સૌરપવન કે સૌર તોફાન (Solar Storm) ઉત્પન્ન થાય છે. આ જ સૌરતોફાન બીજું કંઈ નહીં પણ Highly Electrically charge Particle હોય છે. જે સૂર્યથી છુટા પડી ચારે દિશામાં ૪૫૦ KM/Sec ની ઝડપથી ફેલાય છે. આજ Highly Electrically charge Particle એટલે કે Solar Storm પૃથ્વીના સંપર્કમાં આવે છે ત્યારે પૃથ્વી પરના ઈલેકટ્રીક ઉપકરણો સેટેલાઈટ, તમામ communication System ને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. પરંતુ તેનાથી રક્ષણ કરવા માટે પૃથ્વી પાસે તેનું પોતાનું સુરક્ષા કવચ મોજુદ છે. જેને આપણે Earth Magnetic Field તરીકે ઓળખીએ છીએ. જે પૃથ્વીના coreમાં રહેલા Liquid લાવાના સતત ઘૂમવાથી ઉત્પન્ન થતું હોય છે. જ્યારે સૌરતોફાન પૃથ્વી તરફ આવે છે ત્યારે આ Earth Magnetic Field રૂપી સુરક્ષા કવચ સૌરતોફાન રૂપી Plasma ને પરાવર્તિત કરી નાખે છે. અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવા દેતું નથી. પરંતુ કયારેક સૌરતોફાનની તીવ્રતા વધારે હોવાથી તે સુરક્ષા કવચ પાર કરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. જેના કારણે આપણા Communication and Power System ઠપ પડી જાય છે. અથવા તો ભારે નુકસાન પહોંચાડે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે : સાલ ૧૯૮૯માં Eastern Canadaમાં બનેલી ઘટના. જેના કારણે ત્યાં પુરા ૯ કલાક માટે વીજળી ગુલ (off) થઈ ગઈ હતી. જો કે આ સૌરપવનોના કારણે ઉત્તર ગોળાર્ધ (Northern Hemisphere) અને દક્ષિણ ગોળાર્ધ (southern Hemisphere) માં રંગબેરંગી આભા (Aura) ઉત્પન્ન થાય છે. જેનો નજારો જ કંઈક અલગ હોય છે.

હવે વાત કરીએ આપણે સૂર્યના અંત વિશે આપણે જાણીએ છીએ તેમ સૂર્યમાં ૪ અણું હાઈડ્રોજનનું ૧ અણું હિલિયમમાં અને થોડા અંશે ઊર્જામાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાને Nuclear Fusion કહે છે. જે હજી લગભગ ૫ અરલ વર્ષ સુધી સતત ચાલવાની છે. ત્યારબાદ સૂર્યની કેન્દ્રમાં રહેલો હાઈડ્રોજન ધીમે ધીમે ખલાસ થવા માંડશે એટલે સૂર્યની કેન્દ્રનું તાપમાન હદની બહાર વધી જશે. જેના કારણે સૂર્ય ધીમે ધીમે ફૂલવા માંડશે અને હમણા જેટલો સૂર્ય છે, તેનાથી ૧૦૦ ઘણો મોટો સૂર્ય થઈ જશે. આ પરિસ્થિતિને “રેડ જાયન્ટ” સ્થિતિ કહે છે. આ પરિસ્થિતિમાં આવતા આવતા સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહને કયારનો “સ્વાહા” કરી ગયો હશે. ત્યારબાદ પૃથ્વીનો પણ વારો આવી જશે. જો કે ત્યાં સુધી પૃથ્વી પરથી મનુષ્યની સાથે બધી જ જીવસૃષ્ટિનો નાશ થઈ ગયો હશે.

હજી બીજા કરોડો વર્ષો પછી સૂર્યમાં રહેલો હાઈડ્રોજન ખલાસ થઈ જશે. અને ફક્ત હિલિયમ વધશે. આ પરિસ્થિતિમાં સૂર્ય હજી ફૂલવા માંડશે અને સૂર્યની બહારની સપાટી હવે ધીમે-ધીમે છાલની જેમ ખરવા માંડશે. ત્યારબાદ સૂર્યની અંદર ફક્ત ગોટલી જેટલો ભાગ વધશે. જે ત્યારે પણ પૃથ્વી જેટલો મોટો હશે અને તેનું તાપમાન કલ્પનાની બહાર હશે. વિજ્ઞાનીઓ આ પરિસ્થિતિને “White dwarf” સ્થિતિ કહે છે. આ રીતે આપણા સૂર્યને “શ્વેત વામન” તારાનું રૂપ મળશે. ધીમે ધીમે શ્વેત વામન તારો પણ પોતાનું તાપમાન અને ગરમી બંનેને ગુમાવીને છેલ્લે ઓલવાઈને કાળા કોલસા જેવો થઈ જશે. આ રીતે ધરતીની બધી જીવસૃષ્ટિનો અંત કર્યા પછી આપણા સૂર્યનો પણ અંત થઈ જશે. જો કે આ બધી પરિસ્થિતિને હજી ૫ અરબ વર્ષ જેટલો સમય બાકી છે.

પહેલું રોચક તથ્ય : જો કોઈ તારો સૂર્યથી ૨૦ ઘણો કે તેથી વધારે દ્રવ્યમાન વાળો (Mass) હોય તો તે શ્વેત વામન તારો ન બનતા સુપર નોવા ધડાકા સાથે “ન્યુટ્રોન સ્ટાર” અથવા “બ્લેક હોલ”માં પરિણમે છે. તેમના વિશે વિસ્તૃત ચર્ચા આપણે પછી કયારેક કરશું.

બીજું રોચક તથ્ય : ધારો કે સૂર્ય પર અચાનક Nuclear Fusion પ્રક્રિયા અટકી પડે એટલે કે સાદી ભાષામાં કહીએ તો સૂર્ય અચાનક પ્રકાશ ફેલાવાનું બંધ કરી દે (ઓલવાઈ જાય) તો તેની ખબર પૃથ્વી પર લગભગ સાડા આઠ મિનિટ પછી પડે છે. કારણ કે પ્રકાશને પૃથ્વી પર પહોંચતા સાડા આઠ મિનિટનો સમય લાગે છે.

ત્રીજું રોચક તથ્ય : ધારો કે સૂર્ય અચાનક ગાયબ થઈ જાય તો શું થાય ? સૌરમંડળમાં સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જેવો સૂર્ય ગાયબ થયો (કલ્પના કરો) કે તરત પૃથ્વી સાથે સૌરમંડળના બધા ગ્રહો તેમની ચોક્કસ ભ્રમણ કક્ષા છોડી અવકાશમાં અનંત સફરે નીકળી જાય. સાદી ભાષામાં કહીએ તો બધા ગ્રહો રખડુ થઈ ભટકવા લાગે. જ્યાં સુધી કોઈ બીજો સૂર્ય જેવો તારો તેના ગુરુત્વાકર્ષણથી આકર્ષિત ન કરે ત્યાં સુધી પૃથ્વી અને બીજા ગ્રહોની અવકાશમાં અનંત સફર ચાલુ રહે. તેના પહેલા ગ્રહોનો કદાચ “બ્લેક હોલ” સાથે ભેટો થઈ જાય તો ગ્રહો તેનામાં સ્વાહા પણ થઈ જાય. યાદ રહે અહીં આપણે ફક્ત પૃથ્વી અને ગ્રહની વાત કરી છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિનું સૂર્ય વગર શું હાલત થાય અને તે કેટલી ટકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

અપૂર્વ છગનલાલ વેલાણી

મુળ  ગામ : લુડવા , હાલે : મીરા રોડ, મુંબઈ

મોબાઇલ : 9819073262

solar system

આપણું સૌરમંડળ

નમસ્તે મિત્રો,


આજની આ બ્રહ્માંડની સફરમાં આપ સૌનું સ્વાગત છે.
તમે જાણો છો તેમ આપણા સૌરમંડળમાં કેન્દ્રસ્થાને ‘સૂર્ય’ છે અને તેની આસપાસ અનુક્રમે બુધ (Mercury), શુક્ર (Venus), પૃથ્વી (Earth), મંગળ (Mars), ગુરૂ (Jupiter), શનિ (Saturn), યુરેનસ (Uranus) અને નેપ્ચ્યુન (Neptune) એમ આઠ ગ્રહો પ્રદક્ષિણા કરે છે. જાે કે સાલ ૨૦૦૬ પહેલાં આપણા સૌરમંડળના ગ્રહોની કુલ સંખ્યા નવ હતી, પરંતુ ઈ.સ. ૨૦૦૬માં INTERNATIONAL ASTRONOMICAL UNION (IAU) નામની સંસ્થાએ આપણી સૌરમંડળના ગ્રહોને લગતા નવા નિયમ અને ધારાધોરણો ઘડ્યા. જેમના મુજબ પ્લુટો (Pluto)ને આપણા સૌરમંડળના ગ્રહમાંથી નિષ્કાષિત કરવામાં આવ્યો અને કુલ આઠ જ ગ્રહ રહ્યા.


ઈ.સ. ૧૪મી સદી પહેલા એવી માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તથા અન્ય ગ્રહો પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. પરંતુ ઈ.સ. ૧૪૭૩માં પોલેન્ડમાં જન્મેલા ‘નિકોલસ કોપરનીકસ’એ શોધી કાઢ્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તથા બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પરંતુ તે વખતના રૂઢીચુસ્ત પોપના ડરના કારણે તેનું સંશોધન તેના મૃત્યુ પછી પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યારબાદ ઈ.સ. ૧૫૬૪માં ઈટલીમાં જન્મેલા ‘ગેલીલીઓ ગેલીલી’એ શોધેલા દૂરબીન વડે સાબિત કરી બતાડ્યું કે સૂર્ય સ્થિર છે અને સૂર્યમાળાના બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ લોકોની માન્યતા ધીરે ધીરે બદલાતી ગઈ.


આ તો વાત થઈ સૂર્યમાળાના ગ્રહોની ગોઠવણીની. હવે આપણે વાત કરીએ તેમના વચ્ચેના અંતરની (Distance). તો સૌ પહેલા સૂર્યથી બુધ (Mercury)નું અંતર અંદાજિત ૫,૭૯,૧0,000 KM. થાય છે. ત્યારબાદ સૂર્યથી શુક્ર (Venus)નું અંતર અંદાજિત ૧0,૮૨,00,000 KM. થાય છે. જ્યારે સૂર્યથી પૃથ્વી (Earth)નું અંતર અંદાજિત ૧૪,૯૬,00,000 KM. થાય છે. આ અંતરને બીજી રીતે વર્ણવું હોય તો આ બ્રહ્માંડમાં સૌથી વધુ ઝડપ પ્રકાશના કિરણોની છે. જે ૧ સેકન્ડના લગભગ ૩,00,000 KM. ની છે. (૩,00,000 KM/Sec). એ રીતે ગણતરી માંડીએ તો સૂર્યમાંથી નીકળેલા પ્રકાશના કિરણોને પૃથ્વી પર પહોંચતા અંદાજિત ૮ Minutes ૨0 second જેટલો સમય લાગે છે. આ વસ્તુ ને બીજી ભાષા માં સમજવું હોય તો ધારો કે સૂર્યનો ગોળો અચાનક ઓલવાઈ જાય (પ્રકાશના કિરણો ઉત્સર્જિત કરવાનું બંધ કરી દે) તો આપણને પૃથ્વી પર તેની ખબર અંદાજે ૮ Minutes ૨0 second ૫છી પડે. આ ઉદાહરણ પરથી તમને સૂર્યથી પૃથ્વીના અંતરનો ખ્યાલ આવી ગયો હશે.

સૂર્યથી પૃથ્વીના આ અંતરને ખગોળ વિજ્ઞાનની ભાષામાં ૧ Astronomical Unit પણ કહે છે. એટલે કે ૧ AU = ૧૪,૯૬,00,000KM. હવે બાકીના ગ્રહોનું સૂર્યથી અંતર ક્રમશઃ વધતું હોવાથી આપણે તેમને Astronomical Unit (AU)ના રૂપમાં ઓળખશું. હવે પૃથ્વીથી થોડા આગળ વધીએ તો મંગળ (Mars) ગ્રહ જેમનું સૂર્યથી અંતર અંદાજિત ૧.૫૨૪ AU છે. અત્યાર સુધીના ચાર ગ્રહો અનુક્રમે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આપણે જાેયા. જે Solid Rock Planet (ખડકીય ગ્રહ)ની શ્રૃંખલામાં આવે છે. જેમને એક નક્કર સપાટી છે. જ્યારે ત્યારબાદના બાકી રહેલા ચારેય ગ્રહો અનુક્રમે ગુરૂ, શનિ, યુરેનસ અને અને નેપ્ચ્યુન એ વાયુના ગોળા છે (Gas Giant) તેમને કોઈ નક્કર સપાટી નથી. પરંતુ તેમની ચર્ચા કરીએ તેનાથી પહેલા એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે લઘુગ્રહો/વિશાળ ખડકોનો એક મોટો પટ્ટો આવેલો છે જે Asteroid Belt તરીકે ઓળખાય છે. ગ્રહો રચાયા હશે, ત્યારે જે વિશાળ ખડકો ભેગા મળીને ગ્રહ રચી શક્યા નહીં હોય તે નાના-મોટા લઘુગ્રહોમાં પરિણમ્યા હોવા જાેઈએ, તેમ માનવામાં આવે છે. આવા નાના-મોટા મળી અસંખ્ય લઘુગ્રહો છે. તે પૈકી પચાસ હજાર તો (૫0,000) તો એટલા મોટા છે કે તેને ટેલીસ્કોપ (દૂરબીન)થી શોધી શકાય છે. એવું માનવામાં આવે છે કે સાડા છ કરોડ વર્ષ પહેલા “ડાયનાસોર” જેવા મહાકાય પ્રાણીઓ પૃથ્વીના પટ પરથી સાફ થઈ ગયાં તેનું કારણ આવા કોઈ લઘુગ્રહનો પૃથ્વી પર પ્રપાત હતો.


આ તો થોડી માહિતી થઈ લઘુગ્રહો વિશે. તેમનાથી આગળ વધીએ તો હવે આવે છે “ગુરૂ ગ્રહ”. સૃૂર્યથી ગુરૂ ગ્રહનું અંતર અંદાજિત ૭૭,૮૫,૪૭,૨00 KM. અથવા ૫.૨ AU જેટલું છે. આ ગુરૂ ગ્રહ આપણી સૌરમાળાનો સૌથી મોટો ગ્રહ છે અને તેને ૭૯ શોધાયેલા ઉપગ્રહો છે. જે ગુરૂ ગ્રહની પ્રદક્ષિણા કરે છે. આ ઉપગ્રહો પૈકી “યુરોપા” નામના ઉપગ્રહ પર વૈજ્ઞાનિકો જીવનની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.


ત્યારબાદ હજી તેનાથી આગળ જતાં આવે છે શનિ ગ્રહ (Saturn). સૂર્યથી શનિ ગ્રહનું અંદાજિત અંતર ૧,૪૩,૪0,00,000 KM. અથવા ૯.૬ (AU) જેટલું થાય છે. આ અંતર સૂર્યથી ગુરૂના અંદાજિત અંતરથી બમણા અંતર જેટલું થાય છે. આપણી સૌરમાળામાં શનિને બધા ગ્રહથી અલગ કરતું હોય તો તે છે શનિની ફરતે આવેલા વલયો, જે નાના-મોટા રજકણો (ખડકો)થી બનેલી છે. અને શનિને વર્તુળ આકાર ચક્કર લગાવે છે. આ સાથે શનિ ગ્રહને આ જ સુધી શોધાયેલા ૮૨ ઉપગ્રહો આવેલા છે. જે શનિ ગ્રહની આસપાસ વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે છે.


અહીં પણ આ બધા ઉપગ્રહો પૈકી “ટાઇટન” નામના ઉપગ્રહ પર વૈજ્ઞાનિકો જીવનની સંભાવનાઓ ચકાસી રહ્યા છે. ત્યારબાદ હજી સૂર્યથી દૂર જતા અનુક્રમે યુરેનસ અને છેલ્લે નેપ્ચ્યુન નામના બે ગ્રહ આવે છે. જેમનું સૂર્યથી સરેરાશ અંતર અનુક્રમે ૧૯.૨ AU અને ૩0.૧ AU થાય છે.

નવા સંશોધન પ્રમાણે આ બંને ગ્રહોમાં થીજેલા એસિડ બરફોના પ્રદેશો આવેલા છે. જે સૂર્યથી આટલી દૂરીના કારણે સંભવ હોઈ શકે. આટલા દૂરના અંતરે સૂર્યનો પ્રકાશ લગભગ નહિંવત પ્રમાણમાં પહોંચે છે. જેમના કારણે બરફના પ્રદેશો બનેલા હોઈ શકે. નેપ્ચ્યુનનું તો અંદાજિત સરેરાશ તાપમાન -૨00°C જેટલું હોય છે.


અહીં આપણા સૌરમંડળના ગ્રહો પુરા થાય છે. પણ આપણા સૌરમંડળની હદ હજી બાકી છે. સૂર્યથી લગભગ ૩0 AU થી લઈને ૫0 AU સુધી લઘુગ્રહોનો એક વિશાળ પટ્ટો આવેલો છે. જેમને “Kuiper Belt” કહે છે, જેમાં મહાકાય રૂપના લઘુગ્રહો આવેલા છે. પ્લુટો પણ આ Kuiper Beltનો સદસ્ય છે. જે ૨00૬ સુધી આપણા સૌરમંડળના નવમા ગ્રહ તરીકે ઓળખાતો હતો. એક વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે ભૂતકાળમાં આ Kuiper Belt માંથી કોઈ એક પાણીના બરફથી ભરેલો લઘુગ્રહ ભટકીને પૃથ્વીની કક્ષામાં આવી ચડતા પૃથ્વી સાથે તેમની અથડામણ થઈ અને જેના ફળ સ્વરૂપ પૃથ્વીમાં પાણીનો ભંડાર ઉદ્‌ભવ્યો. હજી તેમનાથી આગળ જતા “

Oort Cloud” નામે ઓળખાતો વિસ્તાર આવે છે. જે પણ બર્ફીલા લઘુગ્રહોનો બનેલો વિશાળ ભાગ છે. અહીં આવીને આપણા સૌરમંડળની હદ સમાપ્ત થાય છે. ત્યારબાદ Interstellar (તારાઓની વચ્ચે) Travel ચાલુ થાય છે.