મહત્વ કોનું? સ્થાનનું કે વ્યક્તિનું?કહેવાય છે, કે સ્થાન, પદ, સત્તા આ એવી જગ્યાઓ છે. જે એક સામાન્ય માણસને રાતોરાત અસામાન્ય અને મહાન બનાવી દે છે. આ સ્થાનનું મહત્વ આપણાં શાસ્ત્રમાં પણ ઘણી રીતે આપવામાં આવ્યું છે. રામાયણ, મહાભારત આના ઉત્તમ ઉદાહરણ છે.સ્થાનનું મહત્વ ચોક્કસ છે. પણ જ્યારે એ સ્થાન પર બેસનાર વ્યક્તિની કીર્તિ, પ્રતિભા એની છબી એટલી પ્રભાવશાળી બની જાય છે, કે એ જે સ્થાન પર બેઠો છે એ સ્થાન એની અંદર કયાંક સમાય જાય છે. એ પછી એ વ્યક્તિને સ્થાનની કોઈ આવશ્યકતા રહેતી નથી.આપણે જ્યારે મહાભારત પર નજર નાખી એ ત્યારે આપણને એક ઉત્તમ ઉદાહરણ મળે છે. ભીષ્મ પિતામહ. ભીષ્મ રાજા નહોતાં છતાં તેમનું પ્રભુત્વ રાજા કરતા વધારે હતું. હસ્તિનાપુર આખેઆખું ભીષ્મ અંદર ભળી ગયેલું દેખાય. તેથી તેમને ક્યારે પદ કે સ્થાનની કોઈ આવશ્યકતા રહી જ નથી. આવાં ઘણાં ઉદહરણો આપણી આસપાસ આપણને મળી રહે છે. આપણા કર્મો અને વ્યક્તિત્વ જ આપણને સ્થાન આપવા અને ગુમાવવા કારણભૂત છે.આજના સમયમાં સ્થાન, પદ શબ્દ યાદ આવે ત્યારે રાજકારણ શબ્દ આપોઆપ યાદ આવી જાય. ત્યાં બધા જ કોઈને કોઈ સ્થાન માટે હરીફાઈ કરતા દેખાય છે, લડતા દેખાય છે. અને ત્યાં જ જો સમય આવતા સ્થાન પરથી ન હટવામાં આવે તો પ્રગતિ કયારે અધોગતિમાં બદલાય જાય વ્યક્તિને ખબર પણ ન પડે. દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના સ્થાન પર બેસી રહેલા દરેકની સ્થિતિ આપણને ખબર જ છે. તેથી યોગ્ય સમય પર સ્થાન છોડી દેવું એ પણ ઉત્તમ કાર્ય માની શકાય. અંતમા એટલુ જ તારણ કરી શકાય કે જ્યારે વ્યક્તિ ખરેખર પ્રતિભાશાળી બને ત્યારે આપોઆપ એનું સ્થાન, પદ મટી જાય છે અને એમાં જ ભળી જાય છે.
લેખક – નિકુલભાઈ