આજે સવારમાં કોનુ મોઢું જોયું હતું???

એક નગરમાં રાજાના મહેલની સામે જ મોટો ઘંટ રાખવામાં આવ્યો હતો. નગરજનોને જયારે પણ ન્યાયની જરૂર પડે ત્યારે તેઓ એ ‘ઘંટ’ વગાળીને રાજાને બોલાવી શકે અને પોતાની વાત સીધી રાજા સમક્ષ જ રજૂ કરી શકે. આવી અકબરના રાજમાં ન્યાય મેળવવાની સુચારુ પદ્ધતિ હતી.

   એક દિવસ એક ગરીબ વ્યક્તિ વહેલી સવારમાં, ઘંટ વગાડીને રાજા પાસે ન્યાયની માંગણી કરવા અકબરને ભર ઊંઘમાંથી જગાડ્યા. પરોઢિયાની ગાઢ નીંદરમાંથી જાગેલા રાજાને પેલા વ્યક્તિની મામૂલી ફરિયાદ સાંભળી ખૂબ ગુસ્સો આવી ગયો.ત્યારે જ રાજાને થયું કે, ‘આજે તો દિવસની શરૂઆત જ ખરાબ થઈ’. 

  આ વાતને ભૂલી રાજા પોતાના નિયમિત કામોમાં લાગી ગયા પણ આ શું?!… દિવસના લગભગ દરેક કામોમાં કંઈકને કંઈક વિઘ્ન અને મુશ્કેલીઓ આવી અને લગભગ દરેક કામ અસફળ રહ્યા, તેમજ આખો દિવસ કોઈને કોઈ વિચિત્ર ઘટનાઓ ઘટી. આ જોતા એક દરબારીએ રમૂજમાં રાજાને કહ્યું, “શહેનશાહ, આજે સવાર – સવારમાં કોનું મોઢું જોયું હતું! જેથી આપનો આખો દિવસ ખરાબ ગયો”. આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ .એને થયું કે, વાત તો સાચી છે! જરૂર મેં આજે સવારે પેલા અપશુકનિયાળ વ્યક્તિનું મોઢું જોયું માટે જ આજે મારો દિવસ ખરાબ ગયો.

  રાજાએ સિપાહીને આદેશ આપ્યો કે, જાઓ! તે વ્યક્તિને અહીં હાજર કરો. તેને રાજાનો દિવસ બગાડ્યો છે તે બદલ તેને ફાંસીની સજા થશે. પેલો ગરીબ વ્યક્તિ રાજાની આવી કડક સજા સાંભળીને ડરી ગયો. તે ચિંતાતુર થતો, બીકનો માર્યો તાબડતોડ રાજાના નવ રત્નોમાંના એક બીરબલ પાસે ગયો અને આખો ઘટનાક્રમ સંભળાવીને કહ્યું,” બચાવી લો મને! મારો પરીવાર અનાથ થઈ જશે. હવે તમે એક જ મારી સંકટ સમયની સાંકળ છો! બીરબલે તે ભાઈને સાંત્વના આપી અને ચિંતામુક્ત થઇ જવા કહ્યું.

   આખરે ફાંસી આપવાનો સમય થયો. પેલા વ્યક્તિને હાજર કરવામાં આવ્યો. ખરા સમયે બીરબલ ત્યાં આવ્યો અને રાજાને કહ્યું,” શહેનશાહ, આ તો અધૂરો ન્યાય કહેવાય! અકબરે આશ્ચર્ય સાથે બીરબલ સામે જોતાં પૂછ્યું,” અધૂરો ન્યાય કેમ?” બીરબલે કહ્યું,” હા, શહેનશાહ…કેમકે, આપે તો આ વ્યક્તિને જ ફાંસીની સજા સંભળાવી, પણ આ ગુનામાં તો તમને પણ ફાંસી થવી જોઇએ એ સજા તો આપે હજુ સંભળાવી જ નથી! ” આ સાંભળીને અકબરની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ અને રાતા- પીળા થતા અકબરે કહ્યું, “આ શું બોલે છે તું મને ફાંસી કેમ?! બીરબલે નમ્રતાથી અને શાંતચિત્તે રાજાને કહ્યું, “જો સવાર – સવારમાં આ નિર્દોષ વ્યક્તિનું મોઢું જોવાથી આપનો આજનો દિવસ ખરાબ ગયો જેની સજા તેને ફાંસી થઇ પરંતુ આ નિર્દોષ વ્યક્તિએ તો સવાર- સવારમાં આપનું મુખ જોયું હતું અને એની તો આખી જીંદગી ખરાબ થઇ ગઇ. તેનો આખો પરીવાર બરબાદ થઈ જશે તો… તેના ગુનેગાર ‘આપ’ થયા તો આપને પણ ફાંસીની સજા જ થવી જોઈએ ને!

    અકબરને બીરબલની આખી વાત સીધેસીધી ગળે ઉતરી ગઇ અને પેલા નિર્દોષ વ્યક્તિની ફાંસીની સજા માફ થઇ ગઇ અને એક નિર્દોષનો જીવ પણ બીરબલની સૂઝબૂઝથી બચી ગયો.

   આપણે પણ ઘણી વખત કહીએ છીએ કે, ખબર નહી સવાર – સવારમાં કોનું મોઢું જોયું કે… આજે આખો દિવસ સારો/ખબર ગયો! એક રમુજી વાત કહુ તો, જો સવાર – સવારમાં હસમુખા ચહેરાવાળી રૂપાળી – ગોરી બબીતાને જુએ તો જેઠાલાલનો દિવસ પણ સુંદર જાય છે! પણ… શું ખરેખર એ સાચી વાત છે કે કોઈ ખાસ વ્યક્તિનો ચહેરો જોવાથી દિવસ સારો કે ખરાબ જાય??? 

   ના, એ વાત બિલકુલ સાચી નથી કે… કોઈનો ચહેરો જોવાથી આપણા જીવન પર કોઈ અસર ન થાય! જરૂર અસર થાય…પ્રશ્ન એ છે કે આવું કેમ થતું હશે? આપણા મનમાં એક વાત ઘર કરી ગઇ છે કે, આ વ્યક્તિ કે વસ્તુ મારા માટે શુભ કે અશુભ છે અને પછી જ્યારે પણ એ વ્યક્તિ કે વસ્તુ સામે આવે ત્યારે તેના પ્રત્યેના આપણા વિચાર એકદમ પાવરફુલ બની જાય છે અને તેથી જ… વારંવાર એક જ પ્રકારના વિચારો કરવાથી આપણી સાથે સારી/ ખરાબ પરિસ્થિતિઓ કે ઘટનાઓ નિર્માણ થવાનું શરૂ થઇ જાય છે અને આપણે એવું માની બેસીએ છીએ કે, કોઈ વ્યક્તિ કે વસ્તુના કારણે મારી સાથે આવું બન્યું!

   ગાંધીજીએ પણ કહ્યું છે કે, મનુષ્ય જેવું વિચારે છે, એવી ઘટનાઓ તેની આસપાસ બનવાની શરૂ થઈ જાય છે. એક બિચારી કાળી બિલાડી પસાર થાય અને આપણે કહીએ કે, બસ….હવે તો કંઇક અપશુકન થશે જ! અને પછી કંઈક થાય તો, દોષનો ટોપલો બિચારી બિલાડી પર જઈને ફૂટે! પણ આમાં બિલાડીનો કોઇ વાંક નથી! પરંતુ બિલાડીને જોઈને મનમાં જે નેગેટીવ વિચારોનું વંટોળ ફૂંકાયુને એના કારણે જ આ અણગમતી ઘટનાઓ બની! આ બીજું કંઇ નહી, પરંતુ સબકોન્સિયસ માઇન્ડનો મેજીક છે.

    જે વ્યક્તિને આપણે યાદ કરીએ કે જેના વિષે સતત વિચાર્યા કરીએ, તે વ્યક્તિના વાયબ્રેશન અને વિચારો સાથે એક અદ્રશ્ય કનેક્શન થઈ જાય છે અને ધીરેધીરે સામેની બાજુ વિચાર કે યાદ કરનાર વ્યક્તિની વિચારધારા પણ તેના જેવી જ બની જાય છે!

   ચાલો, આ જ સબકોન્સિયસ માઇન્ડના મેજીકને એક અલગ પોઝિટિવ વે થી લઇએ ?!! જો સવાર- સવારમાં કોઈ વ્યક્તિને મળવાથી, જોવાથી કે તેના માત્ર વિચારો કરવાથી આખા દિવસ પર અસર રહેતી હોય, તો સવારમાં ઉઠતાની સાથે જ પહેલો જ વિચાર કે યાદ જો પરમાત્માને કરવામાં આવે અથવા કોઈ કલ્યાણકારી,પવિત્ર અને શક્તિશાળી વિચારોથી દિવસની શરૂઆત કરવામાં આવે તો…એનું કેટલું સુંદર પરીણામ મળે!

    સર્વશક્તિમાન પરમાત્માની યાદથી જો દિવસની શરૂઆત કરીશું તો, તેની સર્વ શક્તિઓનો સંચય આપણામાં સહજ રીતે થશે અને તેથી જ, એ શક્તિ દિવસ દરમ્યાન એક સુપર એનર્જી અને પોઝિટિવિટી આપશે તેમજ નેગેટિવિટીની સામે રક્ષાકવચ બનીને રક્ષા પણ કરશે. પરમાત્માને યાદ કરવાથી સુખ, શાંતિ, પ્રેમ, આનંદ અને પવિત્રતાનો પણ અનુભવ થશે તેમજ શાંતચિત્તે અને પ્રફુલ્લિત મનથી નિર્ણયો લેવામાં ક્યારેય ચૂક પણ નહીં થાય અને દરેક કામમાં સ્ફૂર્તિ, શક્તિ અને ખુશીનો પણ અનુભવ થશે. ક્યારેય મૂડ ઓફ, કંટાળો કે ચીડચીડાપણું કે નિરાશાની ફિલીગ પણ નહીં આવે. છે ને કેવું મેજીક!!

   તો, સવાર- સવારમાં કોઈ  વ્યક્તિને યાદ કરવાના બદલે પરમાત્માને યાદ કરીશું તો સારું કે ખરાબ થવાનો સવાલ જ પેદા નહી થાય! માત્ર, કલ્યાણ જ કલ્યાણ થશે.

પ્રિયા રજત ચોપડા
વડાગામ (હાલ- નરોડા, અમદાવાદ)

+91 84603 75695

પ્રતિશાદ આપો