સૌરમંડળ નો સૌથી નાનો અને પ્રથમ ગ્રહ : બુધ

સૂર્યમાળામાં સૂર્યથી સૌથી નજીક બુધ ગ્રહ આવે છે. તે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ પણ છે. જ્યારે સૂર્યથી તે સૌથી નજીક હોય ત્યારે તેનું અંતર ૪૫૯ લાખ કિ.મી. અને સૌથી દૂર હોય ત્યારે ૬૯૭ લાખ કિ.મી. હોય છે. બુધ ગ્રહનો સરેરાશ વ્યાસ (diameter) ૪૮૮૦ km. છે. બુધ ગ્રહ બીજા ગ્રહના કેટલાય ઉપગ્રહ કરતાં પણ કદમાં નાનો છે.

બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક હોવાથી ૮૮ દિવસમાં જ સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે. તે સૌરમાળામાં સૌથી વધારે ઝડપથી એટલે કે ૧,૮૦,૦૦૦ km/sec ની ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બુધ ગ્રહને પોતાની ધરી પર ફરવામાં પૃથ્વીના  ૫૮.૬ જેટલા દિવસ લાગે છે. એટલે કે બુધ પર ૧ દિવસ પૃથ્વીના ૫૮.૬ જેટલો દિવસ હોય છે.

બુધ ના આકાશ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અજીબ રીતે થાય છે.પૃથ્વી પર આપણને સૂર્ય નું જે કદ જોવા મળે તે કરતા બુધ પર ત્રણ ગણા મોટા સ્વરૂપે દેખાય છે.આ ગ્રહ ને વળી પૃથ્વી જેવું વાતાવરણ નથી.સૂર્યમાળા ના સર્જન વખતે તેને વાયુનું ઘટ આવરણ ગુમાવી દીધું હતું.એટલે પરબારો આવતો સૂર્યપ્રકાશ દસ ગણો તેજસ્વી જણાય છે.ધરતી પર સવારમાં પૂર્વમાં ઉગતો સૂર્ય એકધારો પ્રવાસ ખેડી સાંજે પશ્ચિમમાં અંત પામે છે, જયારે બુધ પર એવું બનતું નથી.ક્ષિતિજે ઉગ્યા પછી ક્રમશ ઊંચે ચડ્યા બાદ તે સહેજ અટકે છે, ત્યારબાદ રિવર્સ માં પાછળ જાય છે અને છેવટે ઊંધા ચોગડા જેવો આકાર રચતો ફરી પશ્ચિમ ક્ષિતિજે આથમવા માટે આગળ વધે છે.આ જાતનું કૌતુકમય દ્રશ્ય સૂર્યમાળામાં બીજા કોઈ ગ્રહ પાર જોવા મળતું નથી.

બુધ ગ્રહ પરનું તાપમાન અસામાન્ય રીતે વધઘટ થાય છે. દિવસે તેનું મહત્તમ તાપમાન ૪૩૦ °C જેટલું હોય છે. જ્યારે રાત્રે તેનું તાપમાન ઘટીને -૧૮૦ °C જેટલું નીચું આવી જાય છે. ગુરુતમ તાપમાન ભલભલા પદાર્થને તરત વરાળમાં પલ્ટી નાખે, તો લઘુતમ તાપમાન જોતજોતામાં તેને ફ્રીઝ કરી દે !! પહેલા એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીક હોવાથી સૌથી ગરમ ગ્રહ છે પણ બુધ ગ્રહને પોતાનું કોઈ વાતાવરણ ન હોવાથી તે તાપમાનને શોષીને નથી રાખી શકતું એટલે આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ શુક્ર છે. કારણ કે તેને પોતાનું વાતાવરણ છે. પરંતુ તે બુધ ગ્રહ જેટલું વિષમ તાપમાન નથી ધરાવતો. બુધ ગ્રહને સૂર્યોદય પહેલાં ૧ કલાક અને સૂર્યાસ્ત પછી ૧ કલાક આકાશમાં નરી આંખે જોઈ શકાય છે.

જ્યારે બુધ ગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતા સમયે સૂર્યની બીલકુલ સામે આવી જાય છે ત્યારે બુધને આસાનીથી જોઈ શકાય છે. જેને સંક્રમણ (transit) કહે છે. સૌથી પહેલા બુધ ગ્રહનું સંક્રમણ (transit) ઈ.સ. ૧૭૩૭માં જોવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫ સુધી એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્ય સાથે “tightly locked” છે એટલે કે બુધની એક બાજુ હંમેશાં સૂર્યની સામે હોય છે અને બીજી બાજુ હંમેશાં સૂર્યની વિરુદ્ધ દિશામાં. પરંતુ ઈ.સ. ૧૯૬૫માં “Doppler radar observation”થી આ વાત ખોટી સાબિત થઈ અને જાણવા મળ્યું કે બુધ સૂર્યથી બે વખત પ્રદક્ષિણામાં ત્રણ વખત પોતાની ધરી પર ફરે છે. (જ્યારે પૃથ્વી સૂર્યની એક વખત પ્રદક્ષિણામાં ૩૬૫ વખત પોતાની ધરી પર ફરે છે) એટલે કે બુધના બે વર્ષમાં ત્રણ દિવસ હોય છે.

બુધ ગ્રહ આપણી સૌરમાળામાં પૃથ્વી પછી બીજા નંબરનો સૌથી વધુ ઘનત્વ (density) ધરાવતો ગ્રહ છે. તેની ઘનતા ૫.૪૩ gm/cm³  છે. બુધ ગ્રહની core પૃથ્વીની જેમ જ dense ironની બનેલી છે. બુધ ગ્રહ પણ પૃથ્વીની જેમ જ ખડકીય ગ્રહ (Rocky planet) છે. બુધ ગ્રહની સપાટી આપણા ચંદ્રથી ઘણી મળતી આવે છે. બુધ ગ્રહની સપાટી પર પણ ચંદ્ર ગ્રહની જેમ જ ઘણા ખાડા (crater) જોવા મળે છે. ત્યાં એક ખાડાનો વ્યાસ લગભગ ૧૫૫૦ km. જેટલો મોટો છે.

બુધ ગ્રહ વિશે જાણવા માટે આજ સુધી બે અંતરીક્ષ યાન મુકવામાં આવ્યા છે. ઈ.સ. ૧૯૭૪માં પહેલું અંતરીક્ષ યાન “Meriner 10” મુકવામાં આવ્યું. જે બુધ ગ્રહના ફક્ત ૩ ચક્કર જ લગાવી શક્યું. વધારે પડતી ગરમી અને તાપમાનના કારણે ૨૪ માર્ચ ૧૯૭૫ના “Meriner 10”એ કામ કરવાનું બંધ કરી દીધું. ઈ.સ. ૧૯૯૧માં ખગોળશાસ્ત્રીઓએ રેડીઓ ટેલિસકોપના પાવરફૂલ રેડારમોજાં  બુધ તરફ પ્રસારિત કરીને પહેલીવાર શોધી કાઢ્યું કે તે ગ્રહ ની નાભિ લોખંડ ના નક્કર દડા જેવી છે.નાભિ નો વ્યાસ અંદાજે ૩,૬૦૦ કિલોમીટર હોવાનું તેણે જણાયું એ સાથે ખગોળશાસ્ત્રને ચેલેન્જ ફેકતો નવો સવાલ પેદા થયો: માત્ર ૪,૮૮୦ કિલોમીટર વ્યાસ ધરાવતા ટચુકડા બુધની નાભિ આટલી બધી મોટી હોવાનું કારણ શુ? આ સવાલ નો સચોટ જવાબ હાજી સુધી મળ્યો નથી. આ દરમિયાન બીજું અંતરીક્ષ યાન “Messenger” NASA દ્વારા ઈ.સ. ૨૦૦૪માં મુકવામાં આવ્યું. જેણે ઈ.સ. ૨૦૧૫ સુધી બુધ ગ્રહના આશરે ૨.૫ lakh જેટલાં high resolution ફોટા મોકલ્યા. જેના થકી આપણે બુધ ગ્રહ વિશે ઊંડાણપૂર્વક જાણી શક્યાં. છેલ્લે ૧૫ એપ્રિલ, ૨૦૧૫ના “Messenger” યાનને કાયમ માટે બુધની સપાટી પર છોડી દેવામાં આવ્યું.

પ્રતિશાદ આપો