મારું બાળપણ અને સાતમ નું પરબ સાતમ ના સથવારે….સ્મૃતિઓ

મારી સમાજ અને જન્મભૂમિ કચ્છ માં ગામ રવાપર હાલ ચીખલી થી દિનેશભાઇ પોકાર એમની કલમે થી લખે છે કે.- સાતમ- આઠમ નો આપણો પવિત્ર તહેવાર જે આજથી ૨૫ વર્ષ પહેલાં જે અમારા સમય માં ઉજવાતો હતો…..એ ક્યારે પણ ભુલાય તેમ નથી….

અષાઢનાવદ પક્ષમાં જ ચોકમાં બહેનો ના જમાવડા ચાલુ થતા .દિવસે તો કોઈને સમય જ ના મળતા. દી’ ઊગે થી આથમે ત્યાં સુધી વાડી ખેતર માં ગાળ ચોપ, નીંદણ , શેઢા…. વગેરેના કામ ચાલુ જ રહેતા. રાત્રે વાળુ કર્યા પછી વડીલો ખેતર વાડીમાં જાગવા જતા (વાયક કરવા, રક્ષા ચોકીદારી કરવા જતા). ત્યારે જંગલી સુવ્વર ,શેડ …શિયાળવાં અને હવે રોજડા નો કોપ છે.તે ભેલાણ કરી જતા .ચોકમાં બહેનો, ભાભીઓ ,છોકરા છોકરીઓ ની જમાત જામતી અને ગામની શેરીઓ જાગતી ….!
અંધારામાં પણ અજવાળુંલાગતું. પછી ના પાછતરા દિવસોમાં બેઠડી ગીતો ગવાતા.શ્રાવણ બેસતાં વાળુ કર્યા પછી અધરાત મધરાત સુધી ત્રાંબા નો ઢોલ ગાજતો. બહેન દીકરીઓ કુંડાળે પડી રાસડા લેતી. નાના છોકરાઓ કુંડાળામાં દોડાદોડી કરી મુકતા . છુ છુવાણી, પકડદાવ જેવી રમતો એ કુંડાળામાં અને કુંડાળા વિંધી ને રમાતી. ચોકમાં એકાદ ગેસ ગેસ બત્તી (પેટ્રોમેક્સ) લગાડવામાં આવતી. એના અજવાળાથી આખો ચોક ઝળાં હળાં થઈ ઉઠતો ….!
પત્તા પ્લે કાર્ડ ની રમતો રમાતી. વરસાદી જીવડા બત્તીના અજવાળામાં ઉડાઉડ કરતા અને કામ કરી ને થાકેલા…..ગામના વડીલો માતાઓ પણ ચોકમાં હાજરી પુરાવતી અને રમનાર ની હોંશ પણ વધારતી..! ગીતાળ બેનો ના સૂર અને ગીતથી ગામ ગાજતું.આવી મજા સ્ટુડિયોમાં કમ્પોઝ કરેલાં ગીતોમાં પણ નથી આવતી …!
ગામના કામોઢા અને વધુ કામવાળા વડીલોને આ નિર્દોષ મનોરંજન ક્યારેક ખટકતું.કારણ હતું વાડી ખેતરમાં મોલ ખેતી કામ.
ત્યારે વડીલો વાઇયું (ચિડાતા અને કહેતા) કરતા-” રેઢું…. રાતની ઊલળશે અને બીજે દિ’ કામે નહિ આવે.”
ત્યારે મંદિરમાં બેસી ઢોલ વગાડવા ના સમયપત્રકમાં ફેરફાર થતાં. ક્યારેક વરસાદના કારણે પણ આ અવકાશ રહેતો .
નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળા સાતમ તો મુખ્ય તહેવાર ગણાતા .પરોઢ સુધી ઢોલ સાથે આખું ગામ રમતું. આ મુખ્ય પર્વ (પરબ) ગણાતું.
શ્રાવણમાં ખેતીવાડીમાં ખેતરમાં મોલ પાણીમાં થોડી રાહત રહેતી .શ્રાવણ વદ થી તો કોડ( મઠ ),મગ, ઘઉં, ચણાનો લોટ ,ખાંડ જુવાર (જાર )ના ભેડકાં થઇ જતાં.ઘંટી વાળા પાસે લોટ દળાતા. જાડો ઝીણો લોટ જોવાતો.ભાઈઆત અને અડોશ-પડોશમાં પાપડ વણવા માટે પાટલા વેલણની અને દિવસ નું ટાઈમ ટેબલ નું બુકિંગ થતું .
કોડ મઠ ના લોટ માં મસાલા નાખી લોટ બંધાતો તેની સુગંધથી ઘર ઊભરાઈ જતું.સ્ત્રીવર્ગ પાપડ વણતાં. પાપડ પણ કદમાં મોટા અને ગોળ રહેતા .કાથી….. સિંદરી ના ખાટલા પર આછેરા ઓઢણા કે સાડી પાથરી તેના પર પાપડ સુકાવાતા.આ કામ
નાની બહેનો સાથે છોકરાઓ પણ કરતા અને જોડાતા.
ઘઉં ના લોટ ના થેપલા (લોલાં) ગોળના પાણીથી થેપલા ના લોટ બનતા હતા .આ બે મુખ્ય આઇટેમ રહેતી .
થોડા સુધરેલા અને સુખી આવડતવાળા પરિવારોમાં લાકડીયા ગાંઠીયા થતા .ક્યારેક ગાય ભેંસ ના દૂધ માંથી પેંડા પણ બનાવવામાં આવતા .ગામમાં એકાદ-બે સુખી ઘરમાં જ ગાંઠિયા પાડવાના સંચા હતા. તેથી તેનું એડવાન્સ બુકિંગ થઈ જતું .સંચામાં જાડી મોટી જાળીયો ભાંગીતૂટી હોય તો પણ ચાલતી .ગાય ભેંસ ને ખાણ આપવાના છીબા – ગમેલા ને ઘસીને સાફ કરી તેની પાછળ માટીથી તળિયું આપી દેવામાં આવતા. ચૂલા પર આ છીબા માં પાપડ તળતા. ત્રાક( ભાલો )અને ઝારા થી પાપડ ફેરવી ફેરવીને તળવામાં આવતા. જ્યારે પાપડ તળાતા હોય ત્યારે ઘરના નળીયા વિંધી ને એની સોડમથી શેરીઓ ભરાઈ જતી…! મોમાં રસના ફુવારા ફૂટતા .મઠ અને મગના પાપડ ની કોઠીઓ ભરાતી.
સુંવાળા થેપલા મીઠાઈમાં ગણાતા .આ થેપલાં ક્યારેક ભૂલથી જ સુવાળાં બની જતા. બાકી કડક થવાની ગેરંટી રહેતી….!
આ થેપલા નો સ્વાદ પચાસ વર્ષ પછી પણ યાદ રહી જાય એવો જ હજુ પણ અકબંધ છે….! કદાચ કારણ એ હશે કે તેમાં દાદીમા થી કરીને બેન, ભાભી,પડોશી માતાઓ, બેના નાં નિ:સ્વાર્થ હાથનો સ્પર્શ તેને સાંપડ્યા હોય અને તેમાં મીઠાશ ભળી હોય….સ્વાદ ઉભરાયો હોય …!
પછી વારો આવતો ઘઉ કે ચણાના લાડવા નો. ચણાના લાડવા ની લિહાણી (લ્હાણી) મા’જન વાડી (સમાજવાડી)માં આખું ગામ ભેગું થઈને કરતું .તેથી ઘરમાં ઘઉં ના લાડવા વધુ થતાં… ચણાના ઓછા.
લિહાણી માં ગામના વડીલો બકડીયા ભરી ભરીને માલ તૈયાર કરતા .મુઠીયા તળાતા…. તોડતા ફોડતા અને ચુરમું તૈયાર થતાં લાડુ વાળતા. આ ચુરમાં અને ઘી ની સુગંધ બળતણ (ઇંધણ)ના ધુમાડા સાથે સ્પર્ધા કરતી …! ધુમાડો ઊંચે આભમાં પ્રસરતો અને ઘી ચુરમા ની સોડમ ગામ ના ઘરે ઘરે પ્રસરી જતી ….!ચુરમા માંથી લાડુ વાળતા વડીલો નાનકડી લાડુડી વાળી સીધી મોં માં ઉલાળતા….! આ કળા પણ ઘણાને હસ્તગત હતી….! છોકરાઓ નાના નાના છાબડા અને કથરોટમાં બે ભાઈબંધ ની જોડી કડા પકડી દરેક ટોળે ટોળા માં કાચી સામગ્રીનો પુરવઠો પૂરો પાડતી.આ આનંદ કંઈક ઓર હતો .
નાગ પાંચમ કે રાંધણ છઠના લિહાણી નું વિતરણ થતું .
જુવાર (જાર)ના ભેડકા માંથી ઠુમરો,રાબ કે ઘેંસ રંધાતી

ક્યાં ગયા એ બેહનો અને મધુર કંઠ ના ગીતડાં અને રાસડા….?
વન મા મહાદેવજી વન પાર્વતી.., નારાયણ દિન દયાળ રે ભજમન રાધે ગોવિંદા.; કે પછી આ સાંજ પડે ને સખી સાંભરે કયા ગીતો યાદ કરવા ને ક્યા ભુલવા!!!!

સાતમ ની રસોઈ ની સોડમ અને સ્વાદ આજે પણ દાઢે છે ….દાઢ….દાંત ખોતરણીની સળી થી ત્રીસ વર્ષથી એ સ્વાદ ને ખોતરીને કાઢવાનો જેટલો પ્રયત્ન કરું છું….એટલો જ એ સ્વાદ વધુને વધુ ગાઢ બનતો જાય છે…. અને મધુર બનતો જાય છે….!
આ સાતમો ગઈ જાણે…. સાપ ગયા અને લીસોટા રહ્યા….!

હવે તો દસ અગિયાર વાગ્યે ટીવી ચેનલોના પ્રોગ્રામ જોઈને દીકરીઓ ચોકમાં આવે … પછી સ્વર અને શબ્દો ઓછા પણ ઘોંઘાટ વધુ વાળી કેસેટો પર યૌવન અનુસરે છે….. મને લાગે છે કે ક્યાંક સાતમ ખોવાઈ ગઈ છે….!

આજે પણ એ ખોવાયેલ ત્રાંબા નો ઢોલ અને બાળપણ શોધું છું….. આપને ક્યાંક કરછ ની શેરીઓ મા મળે તો મને પણ કહેજો……….

મોકલનાર

દિનેશભાઈ.વી.પોકાર

શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી
ચીખલી (નવસારી)
મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

પ્રતિશાદ આપો