આજે વાત કરવી છે એક સત્ય ઘટનાથી. મારી આંખથી જોવાયેલી ઘટના. આ ઘટનાનાં અંતે ગરીબી ક્યાં છે? આ સવાલનો જવાબ આપોઆપ જડી જશે.
શિયાળાની સવાર જલ્દી ઉઠવા દે નહી.જેમની પાસે ઘર હોય એમને.જેમની પાસે એક મોટી, જાડી, ગરમ ચાદર હોય એમને. હું ય એ દિવસે થોડો મોડો ઉઠ્યો. અને રોજની જેમ આગળ હીંચકા પર પેપર વાંચવા બેઠો. સામે નવા બની રહેલા ઘરમાં ધાબાંનું ચણતર ચાલતું હતું. ઘરની બહાર મજૂરો, જમણે જુઓ, ડાબે જુઓ ખાલી મજૂરો જ દેખાય. પેપર વાંચવામાં મશીન અને મજૂરોનો આવાજ ખલેલ પડતો હતો. મારું ધ્યાન વારંવાર બહાર જતું હતું.
નિફ્ટી અને સેન્સેક્સ, રસ્તા પરથી મળેલી લાશ, નેતાઓએ મારેલા ગપ્પા, ક્યાંક તણાઈ ગયેલી ભેશ મને જોર જોરથી બૂમો પાડી પેપર તરફ મારી આંખો ખેચી રહી હતી. પાનું ઉથલાવી માંડ બીજા પાને પહોંચ્યા ત્યાં તો મારાથી રહેવાયું નહીં. ઘરની આગળ કલબલાટ કરતા મજૂરોના છોકરાઓને મે એક રોક દીધી. બધા ભાગી ગ્યા. એ બધાને જાળીએ ઉભો રહી જોતો મારો “વેદ” રડવા લાગ્યો. એને પેલા છોકરાઓને જોવામાં મજા પડતી’તી એટલે એ ય રડતો અંદર ભાગી ગયો.
પેપરમાંથી પાછી બૂમો સંભળાઈ. આ વખતે મકાન ચણતા પડી ગયેલ એક ભાઈ એ બૂમ પાડતો હતો.પાનું ઉથલાવ્યું ત્યાં ફરી આવાજ થયો. આ વખતે પેપર આપો આપ બાજુએ મુકાઈ ગયું. નજર એક છોકરા પર પડી. એની માં તગારામાં રેતી ભરીને ઠાલવે એટલે એ છોકરું પણ એક વાટકામાં રેતી ભરીને ઠાલવે.એને એમાંય મજા પડતી હોય એવું લાગ્યું. બે ત્રણ વાર ખુલ્લા પગમાં કોઈ કાંકરી વાગતા પડીએ ગ્યો પણ પાછો રેતી ભરવા જાય, રેતી ઠાલવે.ત્યારે જ મારી ડિક્સનરીમાંથી ગરીબી શબ્દ હવામાં ઉડતો દેખાયો.એ ધીરે ધીરે ઉડતા અચાનક રેતીના ઢગલામાં જઈને પડી ગયો.અચાનક ઓલું છોકરું એના દોસ્તારો સાથે એ રેતીના ઢગલામાં આળોટવા લાગ્યું.
મિત્રો, આ નાનકડી ઘટના પરથી એક વસ્તુ સમજ્વામાં આવી કે સમય ગમે તેટલો સારો કે ખરાબ હોય પરંતુ, જે વ્યક્તિ ભૌતિક , સુખ-સાધનોને સુખ કે અમીરાઇ માનતો હોય તો તેની ક્યાક ભૂલ હોઇ શકે. આજે આપણી આસપાસ કદાચ એવા વ્યક્તિઓ જોવા મળે છે કે કદાચ મોંઘી ગાડી , બંગલા બધુજ જ હોવા છતા શાંતિથી ઊંઘ નથી લઈ શક્તા. તે મુખ પર બનાવટી હાસ્ય રાખી પોતે અંદર ને અંદર દુખી થતો હોય છે.
અંતે , ટૂંકમાં વાર્તાનો સાર કાઢીએ તો જે વ્યક્તિની ઇચ્છાઓ મર્યાદિત , વર્તમાનમાં જીવતો, ઈર્ષાઓથી દૂર , જે નિખલસતાથી હસી શકતો હોય તેજ વ્યક્તિ અમીર છે બાકી ગરીબી ચારેય તરફ છે, આપણા બંગલામાં, આપણી મોટી મોટી ગાડીઓમાં, આપણી ના પૂરી થતી ઊંઘમાં,આપણા નકલી સંબંધોમાં, આપણાં નકલી હાસ્યમાં ગરીબી બધે જ છે. અને એજ ગરીબી આંખો સિવાય બીજે ક્યાય નથી.
yogeshpatel
બહુ સરસ