દુકાનદારોને રાહત : મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ ખુલ્લી રહેશે

બિનઅત્યાવશ્યક દુકાનો સોમથી શુક્ર સવારે ૭થી બપોરે ૨ વચ્ચે સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે

મુંબઈ: કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવામાં લગભગ સફળતા મળી ગઈ છે ત્યારે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વેપારીઓને રાહત આપતો આદેશ બહાર પાડ્યો હતો. પાલિકાના નવા આદેશ મુજબ મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો તો રોજ ખુલ્લી રહેશે જ, પરંતુ અત્યાવશ્યક સિવાયની દુકાનો પણ સોમથી શુક્રવાર દરમિયાન સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે.

‘બ્રેક ધ ચેઈન’ હેઠળ રાજ્ય સરકારે ૧૫ જૂન સુધી લંબાવેલા લૉકડાઉનમાં કેટલાક નિર્દેશો આપ્યા હતા. તેેને આધારે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં દુકાનો ખોલવા સંબંધિત કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મહાપાલિકાના ૧૫ જૂન સુધી અમલમાં રહેનારા નવા આદેશ અનુસાર અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ સમવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે. અત્યાવશ્યક સિવાયની દુકાનો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

જોકે બિનઅત્યાવશ્યક સેવાની દુકાનો સમ-વિષમ ધોરણે ચાલુ રાખી શકાશે, જેમાં પ્રથમ અઠવાડિયામાં રસ્તાની જમણી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ખુલ્લી રહેશે, જ્યારે રસ્તાની ડાબી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ચાલુ રહેશે. એ જ રીતે બીજા અઠવાડિયામાં રસ્તાની ડાબી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જ્યારે રસ્તાની જમણી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ખુલ્લી રાખી શકાશે.

આ જ પદ્ધતિથી આગામી અઠવાડિયાંમાં દુકાનો ચાલુ રાખી શકાશે. માત્ર શનિવાર અને રવિવારે અત્યાવશ્યક સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. ઈ-કોમર્સ અંતર્ગત અત્યાવશ્યક વસ્તુઓની સાથે અત્યાવશ્યક સિવાયની વસ્તુઓનું વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા બ્રેક ધ ચેઈન બાબતનો આદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ આદેશ લાગુ રહેશે. બધા વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને અન્ય ઉપાયયોજનાઓ કરવાનું અનિવાર્ય રહેશે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વળી, આદેશનું યોગ્ય પાલન નહીં થાય તો ગમે ત્યારે તે રદ કરી શકાશે, એવી ચેતવણી પણ કમિશનરે આપી છે.

પ્રતિશાદ આપો